જામનગર ખાતે વિદ્યાર્થી આવકાર કાર્યક્રમ યોજાયો
૦૦૦૦૦
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વિદ્યાર્થીનીઓને વેલકમ કીટ અર્પણ કરાઈ
જામનગર તા.૧૧ જાન્યુઆરી, આજથી ગુજરાત રાજ્યમાં તમામ કોલેજ અને બોર્ડ ધરાવતી શાળાઓમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શૈક્ષણિક વર્ગકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે માટે જામનગરની આર્યસમાજ શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થી આવકાર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીના હસ્તે ધોરણ-૧૦ અને ૧૨ની વિદ્યાર્થીઓને માસ્ક અને હેન્ડ સેનીટાઈઝરની વેલકમ કીટ અર્પણ કરાઇ હતી.
આ તકે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ, આપણો દેશ અને આપણું ગુજરાત રાજ્ય પણ વૈશ્વિક મહામારી કોરોના સામે લડી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા કોરોના કાળ દરમ્યાન માર્ચ-૨૦૨૦થી સંપૂર્ણ લોકડાઉન, ત્યારબાદ આંશિક લોકડાઉન લાગુ કરી રાજ્યના પ્રજાજનોને કોરોના કહેરથી બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. આ સમયમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ માર્ચ મહિનાથી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. પરંતુ જૂન મહિનાથી આ મહામારીના સમયમાં પણ બાળકોનું શિક્ષણ બગડે નહીં, આ માટે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય બંધ હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ડીડી ગિરનાર, વંદે ગુજરાત ચેનલ, યુ-ટ્યુબ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ વગેરે ડિજિટલ માધ્યમો દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દરેક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણકાર્ય રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયું હતું. જે આજદિન સુધી ચાલુ જ છે, પરંતુ હવે રાજ્યમાં કોરોનાના કેસો હળવા થતા આજથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ તથા કોલેજના વિદ્યાર્થીઓની કારકિર્દીના અગત્યના વર્ષો હોય તેમના માટે પ્રથમ ચરણના ભાગરૂપે પ્રત્યક્ષ શિક્ષણકાર્યનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે.
જેમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી વાલીની સંમતિ સાથે વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષણ મેળવવા આવ્યા છે. શાળાઓ દ્વારા પણ કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.
આ નવા વર્ષમાં કોરોનાની સ્થિતિ હાલ હળવી બની છે. આજથી લગભગ સો વર્ષ પહેલા પણ આવી જ મહામારીએ વિશ્વના લગભગ પાંચ કરોડ જેટલા લોકોનો ભોગ લીધો હતો, ત્યારબાદ સો વર્ષે આ કોવિડની મહામારીએ વિશ્વને બાનમાં લીધું છે, પરંતુ અન્ય દેશોની સાપેક્ષમાં આજે ભારતની કોરોના સામેની લડાઈ રંગ લાવી છે અને કેસ હળવા બન્યા છે. ત્યારે બાળકોના ભવિષ્યની દરકાર માટે ફરી શિક્ષણકાર્ય પૂર્વવત્ કરી આ “ન્યુ નોર્મલી સ્થિતિ” એટલે કે માસ્ક,સોશીયલ ડિસ્ટાન્સીંગ, હેન્ડ સેનિટાઈઝરના ઉપયોગ દ્વારા બાળકો ફરી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ મેળવીને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ સાથે જ શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રાખવાનો કોઈ આગ્રહ નથી રાખવામાં આવ્યો, જેથી વિદ્યાર્થીઓ માટે સમાંતર રીતે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા પણ ચાલુ રાખવામાં આવી જ છે ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને લેવાયેલા નિર્ણય સાથે બાળકોને વિદ્યાના મંદિરમાં રાજ્યમંત્રીશ્રીએ આવકાર્યા હતા.
આ તકે ધો. ૧૦ની વિદ્યાર્થીની જાની મીરાએ કહ્યું હતું કે, ઓનલાઇન શિક્ષણમાં અમને ઘણીવાર ટીચર સાથે ડાયરેક્ટ ડાઉટ સોલ્વ કરવામાં તકલીફ પડતી પરંતુ હવે સ્કુલ શરૂ થતા અમે ખુશ છીએ.
તો, ધો.૧૨ની વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીની મહેતર સાહિલાએ પણ શાળા શરૂ થતાં આનંદની લાગણી વ્યકત કરી હતી.
આ પ્રસંગે પૂર્વ મેયર શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.ડોડીયા, શિક્ષણ નિરીક્ષકશ્રી બીનાબેન દવે, મધુબેન ભટ્ટ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી આર.કે આણદાણી, ડી.ડી. ભેંસદડિયા, આર્ય સમાજના પ્રમુખ શ્રી દિપકભાઈ ઠક્કર, શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા શ્રી પ્રફુલાબેન રૂપડિયા તથા બહોળી સંખ્યામાં ધોરણ ૧૦ અને ૧૨ ની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.